Asmita parv 17
મે 12, 2014 at 12:15 પી એમ(pm) (kavita)
શ્રી સુરેશ દલાલની કલમે મારા કાવ્યનો આસ્વાદ
ફેબ્રુવારી 17, 2011 at 11:51 પી એમ(pm) (kavita)
દિવ્યભાસ્કરની રવિપૂર્તિમાં શ્રી સુરેશ દલાલે મારા ગીતનો આસ્વાદ કરાવ્યો છે. નીચેની લિંક પર ક્લિક કરો.
http://www.divyabhaskar.co.in/article/MAG-you-give-fish-and-we-get-see-1849948.html
ગીત
જાન્યુઆરી 28, 2011 at 11:04 પી એમ(pm) (kavita)
મને તારામાં ડૂબવાના કેટલાં અભરખા ! ને તું જ મને તરતા શીખવાડે ?
તને કેમ હવે કોઇ સમજાવે ?
મારામાં ઘટાટોપ વાદળ ઘેરાય છતા તારામાં ટહૂકે નહિ મોર,
હું ચાંદની શી શીતળ કોઇ વાત લઇ આવું પણ તારો મિજાજ તો બપ્પોર,
હું આમતેમ છલકાતો છાલક થઇ જાઉં, તું છત્રીને સાથે લઇ આવે ?
તને કેમ હવે કોઇ સમજાવે ?
આછકલું અડકે જ્યાં તારી નજર ત્યાં હું થઇ જાતો લીલોછમ આખો,
મારામાં સાત સાત ઊઘડે આકાશ ને તું સહેજે ના ફફડાવે પાંખો ?
હું ગળચટ્ટા ગીત જેમ રસરસતો હોઉ, તને ખાટું ખાટું જ બધું ભાવે ?
તને કેમ હવે કોઇ સમજાવે ?
-વિમલ અગ્રાવત
પત્ર
જાન્યુઆરી 27, 2011 at 10:12 પી એમ(pm) (kavita)
લેખણ લઇ લખવા ચહું, શબદ મળે બે ચાર .
કાગળિયો કોરો રહે, આંખ્યું અનરાધાર.
કેમ કરી ને મોકલવા હૈયા કેરાં હેત ?
સાજણ ! શબ્દો સામટાં, કાગળિયો બે વેંત.
કાગળ,કલમ,ન શબ્દ કે નહિ લિપિ નહિ શ્યાહી,
હું લખું ન સાજણ કશું તોય તને વંચાય !
શું કરવા થોથાં ભણી ભણી અગમ ના ભેદ ?
સાજણ ! કાગળ પ્રેમનો મારે મન તો વેદ.
એક જ તારા નામનું રટણ રટું કિરતાર,
ઝળહળ આખ્ખું આયખું તગ તગ તેજ ફુંવાર.
-વિમલ અગ્રાવત
આંસુ પરાયું
જૂન 16, 2010 at 12:20 એ એમ (am) (kavita)
લગ્નોત્સુક કન્યાનું ગીત
જાન્યુઆરી 11, 2010 at 11:53 એ એમ (am) (kavita)
http://www.esnips.com/doc/2587ed80-1f58-455e-b075-b13eb8094dd8/Relamchelam
જય જય સ્વર્ણિમ ગુજરાત
જાન્યુઆરી 3, 2010 at 12:22 પી એમ(pm) (kavita)

-વિમલ અગ્રાવત
( ક્યારેક સરકારી પરિપત્રને અનુલક્ષીને આવું પ્રતિબદ્ધકાવ્ય પણ રચાતું હોય છે.પ્રસ્તુતગીતને “આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાનકી ઇસ મિટ્ટીસે તિલક કરો યે ધરતી હૈ બલિદાનકી..વન્દે માતરમ વન્દે માતરમ”. એ પ્રખ્યાત ગીતના રાગમાં ગાય શકાય.)
આ ગીતનું ગાન સાંભળવા નીચેની લિંક પર ક્લિક કરો.
http://www.esnips.com/doc/04c03140-64d4-4e72-b44f-7b9d2f41abae/Jay-svarnim-gujarat
સાજણ રહે છે સાવ કોરા !
ડિસેમ્બર 26, 2009 at 7:21 પી એમ(pm) (kavita)
આયખામાં આવી છે આષાઢી સાંજ અને ઝરમરિયાં વરસે છે ફોરાં.
સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા !
સાજણ કરતા તો સારું બાવળનું ઝાડ, જેને છાંટો અડતા જ પાન ફૂંટે;
સાજણ સંતાય મૂઓ છત્રીમાં, આખ્ખું આકાશ અરે મારા પર તૂટે;
પલળી પલળી ને હું તો ગળચટ્ટી થાવ પછી સાજણ લાગે છે સાવ ખોરા.
સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા.
ચૈતર વૈશાખ તો સમજ્યા પણ આષાઢી અવસરને કેમ કરું પાર?
સાજણ છે મારો સૈ વેકુરનો વીરડો ને મારી તરસ ધોધમાર;
વરસાદી વાયરાઓ ચાખી ચાખી ને હવે ચાખું છું છેલ્લા કટોરાં.
તોય મારા સાજણ રહે છે સાવ કોરા.
-વિમલ અગ્રાવત
કાવ્યપઠન સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
http://www.esnips.com/doc/ac32ca88-4a0a-4bf1-b483-bed4d2403c8a/Sajan-rahe
કાચ્ચી લીંબોળી જેવી છોકરી
ડિસેમ્બર 25, 2009 at 8:10 પી એમ(pm) (kavita)
લુંમઝૂમ લચકાતા લીલાછમ્મ લીમડાની કાચ્ચી લીંબોળી જેવી છોકરી.
મલકે તો મોગરો ને છલકે તો ચોમાસું, મહેંકે તો ફૂલોની ટોકરી.
કાચ્ચી લીંબોળી જેવી છોકરી.
આંખોમાં અણદીઠ્યા એવા અણસાર જેના અર્થ નથી એક્કેયે કોશમાં;
સોળસોળ શમણાંથી હાલ્લક ડોલ્લક યાને ઝરણાંઓ સર્પીલાં જોશમાં;
ઉડતા અંકાશ બને, કલરવની ભાત બને, વાંચતા બની જાય કંકોતરી.
કાચ્ચી લીંબોળી જેવી છોકરી.
છોકરીના હોઠ જાણે ઉડતા પતંગિયાની પાંખોનું ફરફરતું ગાન!
ગુલ્લાબી લ્હેરખીની નમણી સુગંધ પણ કાંકરી મારોન્ને તોફાન;
મેંતો શબ્દોથી શણગારી, પાંપણથી પંપાળી, હળવેથી હૈયામાં કોતરી.
કાચ્ચી લીંબોળી જેવી છોકરી.
– વિમલ અગ્રાવત
કાવ્યપઠન સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
http://www.esnips.com/doc/4e014ff4-6e16-45be-9fd0-8553b3c40049/Kachi-limbol-jevi-chhokarii
એક છોકરીને ક્યાંય હવે ગમતું નથી.
ડિસેમ્બર 20, 2009 at 8:54 પી એમ(pm) (kavita)
એક છોકરીને ક્યાંય હવે ગમતું નથી.
મોભારે ક્યારનોય બોલે છે કાગડો ને ફળિયામાં કોઇ સંચરતું નથી.
ચકલી આવી ને બોલી ચીંચીં તો છોકરીએ આંખોને કેમ પછી મીંચી?
છોકરીનું હોવું તો મુઠ્ઠી કલરવ એને કોણ રોજ ભરતું તું સીંચી?
હવે છોકરીમાં કોઇ ફરફરતું નથી.
એક છોકરીને ક્યાંય હવે ગમતું નથી.
છોકરીનું સપનું તો તૂટેલી ઠીબ એમાં કોણ આવી ચાંચને ઝબોળે!
પાંખો વિનાની સાવ છોકરી આંખોમાં હવે પીંછાનાં દરિયાને ડહોળે.
હવે છોકરીને કેમ કોઇ ફળતું નથી?
એક છોકરીને ક્યાંય હવે ગમતું નથી.
-વિમલ અગ્રાવત
કાવ્યપઠન સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
http://www.esnips.com/doc/fce76c23-4583-4160-a047-bf03cbe6b613/Ek-chhokari
હું તો આખી ને આખી ભીંજાણી
ડિસેમ્બર 20, 2009 at 8:14 પી એમ(pm) (kavita)
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી ! હું તો આખી ને આખી ભીંજાણી.
રે ! દરિયે કાંઇ નદીયું લુંટાણી સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
કોરાકટ આકાશે આવ્યું ઓચિંતું એક્ વાદળનું મખમલિયું પૂર.
છાંટે છાંટે ‘લિ મુંઇ છોલાતી જાઉં, પણ કેમ કરી જાવું રે દૂર?
મારી ચુંદડીને કોણ ગયું તાણી ? સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
ઝંખનાઓ ચોમાસા જેમ કાંઇ વરસે ને અંગ અંગ ઉમટે તોફાન;
કુંવારા સપનાઓ સળવળવા લાગે ને ભુલાતું સઘળુંયે ભાન;
હું તો ભીનપના ભારથી મુંજાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
-વિમલ અગ્રાવત
સ્મરણોનું અજવાળું
ડિસેમ્બર 13, 2009 at 11:51 એ એમ (am) (kavita)
-વિમલ અગ્રાવત
ડોશીએ ખાધું છે પાન !
ડિસેમ્બર 5, 2009 at 7:42 પી એમ(pm) (kavita)
ડોશીએ ખાધું છે પાન !
આંખ્યુંમાં ઓચિંતી છોકરિયું જાગી ને હૈયામાં શ્રાવણિયું ગાન.
ડોશીએ ખાધું છે પાન !
ફળિયામાં લાકડી ફગાવી ને ડોશીમા રાણીછાપ છિંકણીને સૂંઘે;
ગાયું ગમાણેથી ભાંભરે ને ડોસાજી ખાટલીમાં ફાટફાટ ઊંઘે;
એનઘેન શમણાનાં વાદળાઓ ગોરંભે વરસે તો સમજો તોફાન.
ડોશીએ ખાધું છે પાન !
પાન ખાઇ ડોશીમા પિચકારી મારે ને આયનામાં નીરખે છે હોઠ;
ગુલ્લાબનો છોડ હોય ફળિયામાં તો પણ શું ડોસા તો પેલ્લેથી ઠોઠ;
ફિર અંગ ડોશીને ઐસા મરોડા કી સાંભરી રૂડાની દુકાન;
પછી ડોસાના ચમકે છે કાન,
હવે ડોસાજી ચાવે છે પાન !
-વિમલ અગ્રાવત
પરોઢિયુ
ડિસેમ્બર 5, 2009 at 7:02 પી એમ(pm) (kavita)
ઝબકીને જાગેલા ઝાડવાને વાયરાએ ગળચટ્ટુ ગીત એક પાયુ.
આજ ઉગ્યુ પરોઢિયુ સવાયુ.
પંખીએ પંચમના સુરના છંટકાવથી ઝરણાની નીન્દરુ ઉડાડી;
ઝાકળની જેમ ઝીણાં વરસેલા તડકાએ આખ્ખીય ધરતી ડુબાડી;
એમા અન્ધારુ આઘ્ઘે તણાયું.
આજ ઉગ્યુ પરોઢિયુ સવાયુ.
શરમાતી કુમ્પળના કાનમાં સુગન્ધ ભરે હળવેથી વાત એક મીઠ્ઠી;
આકાશે કંકુનો ચાન્દલો કર્યો છે ને નદીયુને ચોળાતી પીઠ્ઠી;
પછી ચકલીએ ફટ્ટાણું ગાયુ.
આજ ઉગ્યુ પરોઢિયું સવાયુ.
-વિમલ અગ્રાવત
કાવ્યનું ગાન સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
http://www.esnips.com/doc/79110423-fb93-4bb4-bada-bfbbe4bd1bb1/Parodhiyu-savayu
કાળવી છોડી
નવેમ્બર 4, 2009 at 6:09 પી એમ(pm) (kavita)
કાળવી છોડી સાવ અજાણી નદીએ ના’વા ગૈ અચાનક હમ્બો હમ્બો.
મોકળા મને તળિયા લગી ડૂબકી ખાવા ગૈ અચાનક હમ્બો હમ્બો.
ઝાડ બિચારાં પાંદડાંને કે’તમતમારે ધૂબકો મારી જાઓ નદીમાં;
બબડ્યો સૂરજ,”બસ હવે તો વાદળું ઠેકી હુંય છાનો સંતાઉં નદીમાં”
ધસમસી જો છોકરી નદી વહેવું ભૂલી ગૈ અચાનક હમ્બો હમ્બો.
કાળવી છોડી સાવ અજાણી નદીએ ના’વા ગૈ અચાનક હમ્બો હમ્બો.
નાહીને છોડી ડિલ હવાથી લૂછતી ઊભી હોય ને ટેહૂક મોરલાં બોલે;
તડકો કૂંણો રોમરોમે ભભરાવતો સૂરજ જોઇને ગગન આંખ મિચોલે;
વગડામાં વંટોળિયો બની છોકરી ઊડી ગૈ અચાનક હમ્બો હમ્બો.
કાળવી છોડી સાવ અજાણી નદીએ ના’વા ગૈ અચાનક હમ્બો હમ્બો.
-વિમલ અગ્રાવત
ખારવણ
નવેમ્બર 4, 2009 at 5:46 પી એમ(pm) (kavita)
પગને છે પાંખો ને માથે છે બાંસિયું ને બાંસિયામાં બૂમલાંની ભારી,ભારી!
ખારવણ ખારી ખારી.
ખારવણ દરિયાનો કટકો તે ઉછળે ને ઉછળી ઉછળી ન્ને આવે કાંઠે;
ખારવો તો કાંઠાનું ભાઠોડું સાવ શીનો કટકા બટકાને તે ગાંઠે!
માંગે છે ખારવણ મનગમતા મોતી ને ખારવો દે માછલિયું મારી મારી.
ખારવણ ખારી ખારી.
હાથના હલ્લેસાથી જીવતર હંકારે ને આંખ્યુંમાં દરિયાને પાળે;
ખારવાની ફૂગ્ગીનો કેફ બધો ઉતારે એક જ તે તસતસતી ગાળે;
ખારવણ ઘૂઘવાતું સપનું ને ખારવાની નજરું પર બાઝેલી છારી છારી.
ખારવણ ખારી ખારી.
-વિમલ અગ્રાવત
તેજપુંજ વિસ્તરે …
નવેમ્બર 4, 2009 at 11:53 એ એમ (am) (kavita)
આજ મત્ત શર્વરી ટીંપે ટીંપે અહો ! ઝરે, તેજપુંજ વિસ્તરે તિમિર ધીરે ધીરે ખરે.
પદ્મદલ સહસ્ર એમ ભીતરે ખૂલે અરે,તેજપુંજ વિસ્તરે તિમિર ધીરે ધીરે ખરે.
શું હતું જડે નહીં,ખબર કશી પડે નહીં,શોધતા વહી જતું એ દ્ર્શ્ય સાંપડે નહીં;
શુભ્ર સ્વપ્નમય સુવાસ ચક્ષુમાં સહજ તરે,તેજપુંજ વિસ્તરે તિમિર ધીરે ધીરે ખરે.
એજ બોલતું રહે ને એજ ડોલતું રહે એજ સ્નિગ્ધકાળનાં પડળને ખોલતું રહે;
એજ બીજમાં રહી અહીં તહીં બધે ફરે,તેજપુંજ વિસ્તરે તિમિર ધીરે ધીરે ખરે.
એક પળ ખૂલે દશેયદ્વાર ને ખબર પડે,કંઇક રક્તમાં ઘૂંટાય મદભરેલ એજ તે;
શબ્દ,સ્પર્શ,રૂપ,ગંઘ,નાદમાં જઇ ઠરે,તેજપુંજ વિસ્તરે તિમિર ધીરે ધીરે ખરે
-વિમલ અગ્રાવત
ધોધમાર વરસાદ પડે છે.
નવેમ્બર 4, 2009 at 11:38 એ એમ (am) (kavita)
તગતગતી તલવાર્યુ તડફડ આમતેમ વીંઝાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઢાલ ફગાવી,બખ્તર તોડી,લોક વીંધાવા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહેરાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઝરણાં હફડક નદી બનીને દરિયામાં ડોકાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
તદારે તદારે તાની દીર દીર તનનન છાંટે છાંટો ગાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઘેઘેતીટ તાગીતીટ તકતીર કીટ્તક પવન તાલમાં વાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
જળનાં ઘોડાપૂર અમારી આંખ્યુંમાં રુંધાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
સેંથો,ચુંદડી,કંગન,કાજળ,લથબથ પલળી જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
હું દરિયે દરિયાં ઝંખું ને તું ટીંપે ટીંપે ન્હાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
હું પગથી માથાલગ ભીંજું તું કોરેકોરો હાય, અરે ભરચક ચોમાચા જાય ને મારું અંગ સકળ-
અકળાય રે નફ્ફટ! ધોધમાર વરસાદ પડે છે.
-વિમલ અગ્રાવત
કાવ્યપઠન સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
http://www.esnips.com/doc/e6cccccd-a3f9-4408-9f60-ac88e2dbaaf7/varsad-pade-chhe