દરિયો

તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?

દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય  એની વાતું !
એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું !
કદી નજરુંથી દરિયો વલોવ્યો ?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો ?

મોજાંની જેમ જરા ઉછળો તો જાણો કે શું છે આ ફીણ ને કિનારો !
આંખેથી સાચુકલાં મોતી ટપકે નહીં ને પૂછો છો,’દરિયો શેં ખારો?’
કદી શ્વાસોમાં દરિયો પરોવ્યો ?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો ?
 
                                                                           -વિમલ અગ્રાવત

કાવ્યપઠન સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

http://www.esnips.com/doc/5550a8d1-9e40-4471-aa15-8bf7157d058c/Dariyo

હુંય લખું બસ જરી?

તમને તો કંઇ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !
હુંય લખું બસ જરી?


લખવાવાળા લખે, શબદની કંઇક કરામત લાવે;
હરિ મને તો વઘી વઘી ને કક્કો  લખવો ફાવે;
જરુંર પડે ત્યાં કાનોમાતર તમેજ લેજો  કરી.
તમને તો કંઇ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !


શબદ સરકણાં ફોગટ સઘળાં, કાગળ મારો સાચો;
અક્ષરમાં અંધારું કેવળ, અંતર મારું વાંચો;
પરબિડિયું પડતું  મેલી મેં મને રવાના કરી.
તમને તો કંઇ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !
                                                    
                                                             -વિમલ અગ્રાવત


કાવ્યનું પઠન સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.


http://www.esnips.com/doc/df7123c4-698a-4c25-ae83-34aec2e263c6/huy-lakhu-bas-jari

Newer entries »